આપણા વણકરસમાજમાં થતા છુટાછેડા રોકવાના પ્રયાસરુપે અમે જે કાઉંસેલીંગનો કાર્યક્રમ શરુ કર્યો છે તેના અનુસંધાને આપશ્રીએ અમારો સંપર્ક કર્યો જણાય છે. અમારી ટીમનો પરીચય આપી દઈએ.
a) શ્રી મણીભાઇ પરમાર, (૭૫+) ઇલેક્ટ્રીકલ એંજીનિયર અને આઈ.પી.સી.એલ. માંથી જનરલ મેનેજર તરીકે નિવૄત્ત થયેલ છે અને હાલ વડોદરાના ડૉ. આંબેડકર ભવનના મેનેજીગ ટ્રસ્ટી તરીકે પદભાર સંભાળવાની સાથે ઘણી બધી સામાજીક પ્રવ્રુત્તિઓમાં સંકળાયેલ છે.
b) શ્રી મુળચંદભાઇ રાણા (૬૫+) નિવૄત્ત ચીફ મેનેજર બેંક ઓફ ઇંડિયા અને ગુજરાત પબ્લિક સર્વીસ કમીશનના પુર્વ સદસય અને દાયકાઓથી સમાજની વિવિધ પ્રવ્રુત્તિઓ સાથે સંકળાયેલ જાણિતા સમાજસેવી.
c) શ્રી મિતેશભાઇ ચાવડા. (૪૯+) ગુજરાતના વણકરસમાજ - અનુસુચિત જાતિવર્ગમાં કદાચ જ આ નામ અજાણ્યુ હશે. વર્ષોથી સમાજસેવા સાથે સંકળાયેલ અને પસંદગી મેળાઓ વગેરે દ્રારા સેંકડો લોકોને પસંદગીનુ પાત્ર મેળવી આપી લગ્ન કરાવી આપવાનો શ્રેય તેમને જાય છે.
d) શ્રી ભરતભાઇ ડાભી, (૪૪+) કોમ્પ્યુટર એંજીનિયર, મુંબઈ ખાતે આઇટી મેનેજર તરીકે નોકરી કરે અને શનિ-રવિ રજાઓમાં www.VankarSamaj.com દ્વારા સમાજસેવાની ઘણી બધી પ્રવ્રુત્તિઓ સાથે સંકળાયેલ છે.
હવે અમે ઉપર જણાવ્યુ તેમ પસંદગી મેળાઓ અને સમુહ લગ્નોત્સ્વ પ્રવૃત્તિઓ સાથે સેંકડો લોકોને લગ્ન કરાવી આપ્યા છે પરંતુ આ સાથે લગ્ન થયેલા જ્ઞાતિ-મિત્રોમાં જે છુટાછેડાની સમસ્યા છે તેને માટે થઈને આ એક કાઉંસેલીંગ પ્રયત્ન શરુ કરેલ છે. અમે છુટક-છુટક આવા મેટરમાં મળેલ સફળતાથી પ્રેરાઇ હવે ફોર્મલ રીતે આ કાઉંસેલીંગ શરુ કરેલ છે.
તમે પતિ-પત્ની બંને એક વાર અમોને આવીને મળો. તમે બે જ જણ. બીજુ કોઇ નહિ. આપની સાથે આપના વડિલ આવે તો તેઓને અમે બહાર બેસાડિશુ અને આપની જોડે જ વાત કરીશુ. આપ બંને છુટાછેડા ન થાય તેવા અભિગમ સાથે અમારી સેવા લેવા આવેલ છો તો આપણૅ એક આખો દિવસ નિરાંતે આપ બંને જોડે વાતચીત કરીશુ. ચર્ચા કરીશુ. સાથે જમીશુ, ચા-નાસ્તો કરીશુ. અને આશા રાખીએ કે તમો અમારી સાથે નિખાલસથી વાતચીત કરી આપની અને સાથે આપણા એક જ્ઞાતિબંધુ તરીકે સમાજની આ સમસ્યાના ઉકેલમાં સહભાગી થઈશુ.
સગપણ વખતે બંને પક્ષની હાજરીમાં નક્કિ કરવાનુ કે..
1. લગ્ન બાદ છોકરી નોકરી નહિ કરે.
2. લગ્ન બાદ છોકરો તેની પત્નીના હાથનુ જ બનાવેલ ખાશે.
3. લગ્ન પહેલા છોકરો - છોકરી બંને પોતાનુ Mental + Physical Health Checkup કરાવી તેનો રીપોર્ટ એકબીજાને અંગત રીતે આપલે કરશે અને ત્યારે બાદ જ લગ્ન માટે આગળ વધશે.
4. લગ્નમાં બંને પક્ષ અડધો ખર્ચ કરશે અને બાકિના પૈસા નવપરણીત દંપતિ હરવા-ફરવામાં વાપરશે (દા.ત. લગ્નમાં ૧૦ લાખ ખર્ચવાના હોય તો વધુમાં વધુ ૭ લાખ ખર્ચો અને ૩ લાખ નવ દંપતિને વાપરવા આપો અને કહો કે એ પૈસા બે વર્ષમાં બધે હરવા-ફરવામાં વાપરે)
5. લગ્ન બાદ બેથી ત્રણ થવા માટે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો સમય આપશે. એક ના બે થવા ૨૫-૩૦ વર્ષ રાહ જોઇ તો બે ના ત્રણ થવા ત્રણ વર્ષ તો રાહ જોઇ જ શકે છે.
www.VankarSamaj.com દ્વારા સમાજમાં થતા છુટાછેટા અટકાવો મુહિમ અંતર્ગતની કામગીરીમાં નીચે મુજબના કારણો લગભગ દરેક જગ્યાએ જણાયા જે ફેઝ પ્રમાણે આ રીતે વર્ગીકૃત કરી શકાયઃ
1. લગ્ન પસંદગી વખતેના
a. આડકતરી રીતે લેવાતુ દહેજ: વહુ નોકરી કરતી જોઇએ! કારણ એવા બતાવામાં આવે કે શિક્ષિત વહુ છે આ મોંઘવારીમાં બે માણસ કમાય તો સગવડતા રહે. આ બાબતે અમારા ગામડામાં એક વડિલ એમની ભાષામાં કહે છે કે “બૈરુ પાલવવાની હેસીયત ન હોય તો લુમ લેવા પૈણો છો?”
b. માવતરથી કમાઉ દિકરીના પગાર છુટતા નથી. પરણાવી દિધા પછી પણ દિકરી પગાર તેના માવતરને આપે તેવી (લાલચુ?) વૃત્તિનુ આજકાલ ચલણ વધ્યુ છે. ઘણીવાર આવુ જોઇને અચરજ થાય કે માવતર તો સંતાનોના સુખ ખાતર સર્વસ્વ લુટાવી દે ત્યારે આ કેવા લોકો જે પોતાના નિર્વાહ માટે પરણિત દિકરીના પૈસા લે અને તે પણ દિકરીના લગ્નજીવનના ભોગે!!
c. યુવકોમાં વ્યસનનુ પ્રમાણ જેની અસર તબીબી રીતે પતિ-પત્નીના અંગત જીવનમાં ગંભીર રીતે પડે છે જે આગળ જતા છુટાછેડા માંગે છે.
b. સંતાનોમાં બેઝીક ગૃહસ્થીલક્ષી સમજની ઉણપ: (i) દિકરી હોય તો તેને ઘરકામ અને ખાસ કરીને રસોઇમાં નિરસતા અને રસોઇ ન આવડવી! (ii) દિકરો હોય તો તેને કમાવવુ, સાંજ પડ્યે ઘરે આવવુ, વ્યવસન છોડવુ, સામાજીક પ્રસંગોમાં સાસરે આવવુ જવુ વગેરેની સમજ.
c. છોકરા – છોકરીનુ અહંકારી વલણ, સમજદારીનો અભાવ, બાંધ છોડ કરવામાં નિરસતા.
d. ખોટી સમજ કે માહિતિ કે કમીટમેંટ સાથે લગ્ન કરવુ: (i) સગપણ વખતે કહેવામાં આવે કે છોકરો ફોરેન રહેવાનો છે અને લગ્ન બાદ છોકરો ફોરેન જવાનો જ ન હોય. (ii) સગપણ વખતે કહેવામાં આવે કે છોકરાને સરકારી નોકરી છે અને લગ્ન બાદ ખબર પડે કે કોંટ્રાક પર છે. (iii) છોકરા કે છોકરીના બીજે સંબંધ છે તે છુપાવીને લગ્ન કરવુ. (iv) છોકરા કે છોકરીમાં કોઇ બિમારી છે તે છુપાવીને લગ્ન કરવુ, વગેરે
3. લગ્નના પાંચ વર્ષમાં
a. સામાજીક કલેશ: (i)લગ્ન બાદના સંબંધોમાં થતા રીતી-રિવાજો, લેવડ-દેવડના પ્રસંગો. (ii) સંતાન જન્મ વખતે છોકરા કે છોકરી પક્ષની કોઇક તકલીફ
b. છોકરા છોકરી વચ્ચે કૌટુંબીક ત્રીજા વ્યક્તિની દખલ
4. લગ્નના પાંચ વર્ષ બાદ
a. લગ્નેતર સંબંધ
આ સિવાય પતિ-પત્ની બંને વચ્ચે બંધ બારણે કેવી ગેરસમજ, કેવી તકલીફ રહે તે એકદમ અલગ ચર્ચા માંગી લે છે.
છુટાછેડાની સૌથી ખરાબ અસર છુટાછેડા પામેલ છોકરી પર પડે છે, એટલે હાલ છુટાછેડા થયેલ છોકરીને શુ તકલીફ પડે છે તે જોઇએઃ
1) છુટાછેડાના બનાવમાં મસમોટી રકમ લઈને જે છોકરીઓ છુટી થાય છે, તેઓને તો આ મળેલ પૈસાનો ખાસ લાભ થતો જ નથી. છુટાછેડા થાય અને છોકરા પક્ષથી પૈસા આવે એટલે તરત જ છોકરીના કુટુંબીજનો, સંબંધીઓ અને મિત્રો પૈસા ઉધાર માંગવા આવી જાય છે અને યેન-કેન પ્રકારે છુટાછેડા થયેલ છોકરીને બહેલાવી-ફોસલાવી વગર વ્યાજના પૈસા પડાવી લે અને આવા આપેલ પૈસા લગભગ પરત આવતા નથી!
2) છુટાછેડા થયેલ છોકરીને છુટાછેડા વખતે જે પૈસા મળ્યા હોય તેનો તે ઉપયોગ નથી કરી શકતી. અમારી ધ્યાનમાં નથી આવ્યુ કે છુટાછેડાના પૈસાથી કોઇ છોકરી ફરવા ગઈ હોય, સારા-સારા કપડા પહેરીને ફરતી હોય, પિક્ચર જોવા કે અન્ય કોઇ મોજશોખ કરતી હોય કેમ કે આ બધુ સજોડે શોભતુ હોવાની પ્રતિતિ થતા તે છોકરી આવા આનંદ નથી માણી શકતી. નુકસાન કોને?
3) તો બીજી બાજુ છુટાછેડામાં પૈસા લેવાની જે છાપ એ છોકરી અને તેના કુટુંબ પર પડે છે તેનાથી તે છોકરીના પુનઃલગ્ન અને તેની બહેનોના લગ્ન જોખમાય છે, અને એમાં પણ જો છુટાછેડામાં બાદ આગલા ઘરથી કોઇ સંતાન હોય તો પછી થઈ રહ્યુ.
4) છુટાછેડા થયેલ છોકરીને પુનઃલગ્ન માટેનુ જે પાત્ર મળે છે તે તેનાથી એવરેજ ૫-૧૦ વર્ષ મોટુ જ હોય છે. અને સીધી ભાષામાં કહિએ તો ડિફેક્ટીવ પાત્ર હોય છે. એટલે છુટાછેડા થયેલ છોકરીને પુનઃલગ્નમાં અગાઉના પતિ કરતા ૧% પણ વધુ સારો પતિ મળે તે ગેરસમજ છે. પુસ્તકિયા જીવનમાં અને અસલ જીવનમાં ઘણો ફર્ક છે.
5) છુટાછેડા થયેલ છોકરીને કુટુંબ - સમાજના લોકો સીધી કે આડકતરી રીતે ઉતરતી કક્ષાના માણસ તરીકે જુવે છે. એક માથે પડેલ તકલીફ તરીકે જુએ છે. જેથી છુટાછેડા થયેલ છોકરીને બને ત્યાં સુધી સામાજીક આમંત્રણ મળતા નથી અને કૌટૂંબીક પ્રસંગોમાં જવાનુ થાય તો જે ડિપ્લોમેટીક ટીકા, ટોણા થાય તેનાથી સમય જતા છુટાછેડા થયેલ છોકરી સામાજીક પ્રસંગોમાં જવાનુ છોડિ દેતી હોય છે.
6) ઘરમાં પણ તેની ભાભી કે ભાઈ જે તેને છુટાછેડાના ઝઘડામાં ચણાના ઝાડ પર ચઢાવતા જોવામાં આવ્યા હોય તે હવે છુટાછેડા બાદ તેને બોજ ગણે છે, ભલે પોતે તે કમાતી હોય અને આત્મનિર્ભર હોય તો પણ.
7) છુટાછેડા થયેલ છોકરી તેના સખી મંડળમાં એક જોખમી તત્વ તરીકે જોવામાં આવે છે. તેની સખીઓ જે પરણેલી હોય તેને પોતાના ઘરે કે અન્ય જગ્યાએ જ્યાં તેમના ઘરવાળા હોય બોલાવવાનુ ટાળતી હોય છે. તેઓને તેમની આ છુટાછેડા થયેલ સખી પ્રત્યે એવુ લાગે છે કે તે તેના ઘરવાળાને તેનાથી છીનવી લેશે!!
8) સૌથી ખરાબ અને દુઃખદ તત્વ છે કે છુટાછેડા થયેલ છોકરી પબ્લિક ફોરમમાં VULNERABLE થઈ જાય છે. પુરુષ વર્ગ શિકારી નજરે તેને AVAILABLE COMMODITY તરીકે જોતો થઈ જાય છે. જો છુટાછેડા થયેલ છોકરી નોકરી કરતી હોય અથવા ઘરથી દુર રહેતી હોય તો તેને આવા શિકારીઓની જાળમાં ફસાવવાની ખુબ જ શક્યતાઓ રહેલ છે.
9) આ બધુ તો બાહ્ય – પબ્લિક – સામાજીક થયુ પરંતુ છુટાછેડા થયેલ છોકરી જે તેના અંગત જીવનમાં મળવુ જોઇએ તે સુખ ગુમાવે છે. અને સમય વહિ જતા જ્યારે તે ૫૦-૬૦ ની થાય ત્યારે અને સંતાનના લગ્ન બાદ જે એકલતા અને નિસહાયતા ભોગવવી પડતી હોય છે તેનુ આંકડાકિય અંદાજ મુશ્કેલ છે. ટુંકમાં છુટાછેડા મેળવવા આજકાલ જેટલા સરળ છે તેટલી જ તેની ગંભીર આડઅસર છે. એક માનવ તરીકેનુ જીવન જીવવાના, સુખ ભોગવવાના, આનંદ – મોજ મજા કરવાના જે કોઇ કામ છે તે છુટાછેડા થયેલ છોકરી કરી શકે તે લગભગ શક્ય નથી. પરંતુ પેલુ તીર જે કમાનમાંથી છુટ્યુ તે પાછુ આવવાનુ નથી અને ઘડિક ભરના આવેશથી બોલાયેલ શબ્દોથી જે છુટાછેડા પરીણમે છે તેનુ દુઃખ આજીવન રહે છે. પણ આ દુઃખ ન સહેવાય કે ન કોઇને કહેવાય.
અમારુ જ્ઞાન, અનુભવ અને સમજ એવુ કહે છે કે ઘરસંસાર ચલાવવો તે માત્ર અને માત્ર પતિ-પત્નીની જવાબદારી બને છે. તેઓના માતા-પિતા કે અન્ય વડિલો તેમને પરણાવે અને થતા સામાજીક રિતિ-રિવાજ નિભાવવા સુધી જવાબદાર રહે છે પરંતુ પરણી ગયા બાદ ઘર સંસાર ચલાવવા જે કરવાનુ હોય તે પતિ-પત્નીએ જ કરવુ પડે છે. આ અંગે પતિ-પત્ની બંનેમાં ઘરસંસાર ચલાવવાની કેટલી ઇચ્છા છે, કેટલુ કમીટમેંટ છે, બાંધછોડ કરવાની - જતુ કરવાની કેવી અને કેટલી તૈયારી છે તે મહત્વના રહે છે.
હુ કેટલાક ઉદાહરણો અને નજરે જોયેલ બનાવોને અહિ વર્ણવી ઉપરોક્ત વિષયના જડમાં પહોંચવામાં પ્રયત્ન કરુ છુ.
1. હુ નાનો હતો ત્યારે (કદાચ ૧૯૮૭-૮૮ માં) અમારા ઘરે બ્લેક એંડ વ્હાઇટ ટીવીમાં દુરદર્શન પર એક નાટક જેવુ આવેલુ. તેમાં એક ફેમીનીસ્ટ ટાઇપની શિક્ષિત અને સમાજસેવી દયાળૂ ધનવાન બેનના ઘરે એક કામવાળી આવતી હતી. એ કામવાળીને એનો ઘરવાળો રોજ દારુ પીને મારતો, એનો પગાર લઈ લેતો અને ખુબ ત્રાસ આપતો. આ કામવાળી આ બધાને લીધે દર બીજા દિવસે રોતી રોતી કામ પર આવે અને શેઠાણીબેનને તેની આપવીતી બતાવે. પેલા શેઠાણીબેન એની પર દયા ખાય, મારના લીધે વાગ્યુ હોય તો દવા કરાવે, પગાર ઉપરાંતના થોડા પૈસા આપી કામવાળીને મદદ કરે. આ બધાને લીધે શેઠાણી અને કામવાળી જોડે સારી મિત્રતા થઈ. એકવાર એવુ બન્યુ કે કામવાળીના પતિએ તેને દારુ પીને ખુબ મારી અને ઘરની બહાર કાઢી નાખી. અડધી રાતે એ કામવાળી એની શેઠાણીને ઘરે આવી પહોંચી અને કહે કે, મને ઘરની બહાર કાઢી મુકિ. હવે ક્યાં જાવ? એના દયાળુ શેઠાણી કહે કે ભલે તુ અહિં જ રહે અમારા ઘરમાં. આ વાતથી એ શેઠાણીનો ઘરવાળો ઘણો ગુસ્સે થયો કહે કે આવી રીતે ઘરમાં કોઇને ન રાખ. એ કામવાળીને તકલીફ હોય તો તેને તેના ગામડે મોકલી આપ કે પોલીસમાં ફરીયાદ કરી આપ પણ આમ પારકી પળોજણ ઘરમાં ન લાવ. સામે એની પત્ની કહે કે તે મહિલાનો દુઃખ દર્દમાં સાથ આપશે. કામવાળીને પુરુષ જુલમથી બચાવશે અને તેને આ ઘરમાં જ રાખશે. કામવાળીના ઘરવાળા પર કેસ કરીને કામવાળીને ન્યાય અપાવશે વગેરે વગેરે. આ ચર્ચા વણસી અને શેઠ-શેઠાણી વચ્ચે થયો ઝઘડો. અને શેઠ ગુસ્સે થઇ એનુ ઘર છોડિ જતો રહ્યો. કોઇક હોટલમાં રહેવા લાગ્યો. ૨-૩ દિવસ વિત્યા હશે ત્યાં શેઠાણીને ઘરે ડોરબેલ વાગી. શેઠાણીએ દરવાજો ખોલ્યો તો પેલી કામવાળીનો ઘરવાળો હતો. શેઠાણી એને કહે કે, તુ અહિ કેમ આવ્યો? હવે કોર્ટમાં જ મળજે. આવુ કહિ એને વઢવા લાગી ત્યાં કામવાળીનો ઘરવાળો દરવાજા પર ઉભો ઉભો જોરથી પેલી કામવાળીને બોલાવવા લાગ્યો જે સાંભળી ઘરની અંદરથી કામ કરતી કરતી કામવાળી દોડતી આવી અને દરવાજા પર ઉભેલી શેઠાણીને ધક્કો મારીને સીધી એના ઘરવાળાને ભેટી પડિ. કામવાળીનો ઘરવાળો તેની કરતુત બદલ માફિ માંગવા લાગ્યો અને કામવાળીને ઘરે આવવા આગ્રહ કરવા લાગ્યો અને કામવાળી ઝટ રાજી થઈ ગઈ. આ જોઇ શેઠાણી કહે કે આ તારો ઘરવાળો રોજ દારુ પીને તને મારે, તને રંજાડે, તને ઘર બહાર કાઢી મુકિ અને તુ એના એક બોલ પર ઘરે જવા રાજી થઈ ગઈ? તો કામવાળી કહે કે મેમસાબ એ મારો ઘરવાળો છે મને મારે કે લડે મારે તો એની જોડે જ રહેવાનુ છે. અમારે તો ઝઘડો ચાલ્યા કરે એમ કાઈ થોડુ અલગ થઈ જવાય? શેઠાણી કહે કે તારે લીધે મારે સાહેબ જોડે ઝઘડો થયો, આપણે તો કોર્ટ કેસ કરીને તારા ઘરવાળાને જેલમાં મોકલવાનો હતો અને તુ તો પાછી જવા રાજી થઇ ગઈ તો કામવાળી કહે કે મારો ઘરવાળો છે એ મને લેવા આવ્યો છે અને હુ જાવ છુ. આ સાંભળી શેઠાણી જોતી જ રહિ અને કામવાળી એના ઘરવાળા જોડે જતી રહિ. આ જોઇ શેઠાણીને જ્ઞાન થયુ કે કેવા પારકા લોકો માટે તેણે તેના ઘર સંસારને નુકસાન કર્યુ. અને પછી તેના ઘરવાળાની ઓફિસે ફોન કરીને સોરી કહે છે અને એનો ઘરવાળો સાંજે ઘરે પરત ફરે છે…
2. ૧૯૯૭-૧૯૯૮ ની વાત છે, હુ ત્યારે ભણતો અને નોકરી કરતો ત્યારે મારો એક ગાઢ મિત્ર અને હુ રોજ સાંજે જમ્યા બાદ પંચવટી પાસેના એક પાનના ગલ્લાએ બેસવા જઈએ. એ સિગરેટ પીવે અને હુ ના પીવ એટલે મને મીઠુ પાન ખવડાવે. આ વખતે એક ભાઈ જીગ્નેશ (નામ બદલ્યુ) સ્પ્લેંડર પર સિગરેટ પીવા આવે. અમારી જોડે વાતો કરે. અમારા કરતા લગભગ ૭-૮ વર્ષ મોટૉ અને એની છુટાછેડાની મેટર ચાલે તેટલુ અમને ખબર. એકવાર વાત વાતમાં અમોને કહે કે જે દોસ્તોની ચઢવણીએ આજે તેનુ ઘર તેના હાથે ઘર ભાંગ્યુ તેઓ એક પણ એને મળતા નથી. એટલે અમે પુછ્યુ એ કેવુ? તો કહે કે તે તેના ગ્રુપના દોસ્તોમાં તે થોડો ઉમરમાં મોટો એટલે એના લગ્ન વહેલા થયા (૧૯૯૪ આસપાસ) હવે લગ્ન થયા એટલે એની નવી વહુ તેને રોજ રાત્રે બહાર જવાની ના પાડે, અને એની સાથે ફરવા આવવાનુ કહે. જે નવપરણીત દંપતિમાં સ્વાભાવિક છે. એટલે આ ભાઇ તેનુ લગ્ન પહેલાનુ જીવન જેમાં રોજ સાંજે જમ્યા બાદ ગલ્લા પર દોસ્તો જોડે આવીને બેસે તે અટકી ગયુ. હવે એની વહુ જ્યારે પીયર ગઈ અને આ તે ગાળામાં ગલ્લા પર આવ્યો તો એના દોસ્ત એને પાનો ચઢાવતા કે લા’, તુ તો બૈરાનો થઈ ગયો, જોરુનો ગુલામ, બૈરુ ના પાડે એટલે દોસ્તોને ભુલિ ગયો વગેરે વગેરે. જીગ્નેશભાઇ પણ આ વાતમાં આવી ગયા તેમને લાગ્યુ કે તેમની નવી પત્ની તેમને કંટ્રોલ કરવા માંગે છે એટલે જ્યારે પેલા વહુ પીયરથી પાછા આવ્યા અને કહયુ કે ચલો જમ્યા બાદ આપણે ફરવા જઈએ એટલે જીગ્નેશભાઇ કહે કે હુ દોસ્તો જોડે જાવ છુ. આવુ ૨-૩ વાર બન્યુ એટલે થયો ઝઘડો. તેમાં જીગ્નેશભાઇની મમ્મીને પણ કાઇંક વાંકુ પડ્યુ હશે તો તે પણ વચ્ચે કુદયા અને વાત વણસીને છેક છુટાછેડા સુધી પહોંચી. માંડ દોઢ વર્ષ જેટલુ લગ્ન જીવન ચાલ્યુ અને તેઓ અલગ થયા. આ દરમીયાન તેના પેલા મિત્રો પણ પરણ્યા. અને આ ભાઇ છુટાછેડાવાળો થયો. એટલે આને રીતસર ગ્રુપમાંથી ન્યાત બહાર મુક્યો. પેલા પરણેલા મિત્રો લગ્ન બાદ ગલ્લે આવતા બંધ થઈ ગયા અને ભાઇબંધી જેવુ રહ્યુ નહિ. પરણેલા લોકોના ગ્રુપમાં કુંવારો ચાલે પણ છુટાછેડાવાળો ન ચાલે. એક વાર એવુ બન્યુ કે આ જીગ્નેશભાઇ ન આવ્યા પરંતુ તેના પેલા મિત્રોમાંના બે જણ ત્યાં ગલ્લા પર આવ્યા અને અમે જીગ્નેશભાઇવાળી વાત કાઢી કે, જીગ્નેશભાઇ તો તમારી લીધે છુટાછેડા થયા તેવી ફરીયાદ કરે છે. તો પેલા બે મિત્રો (જે જીગ્નેશભાઇને લગ્ન વખતે તુ બૈરાનો થઈ ગયો તેવા ટોણા મારતા હતા) કહે કે અમારે હવે બૈરી આવવા દેતી નથી અમારે તો અમારુ ઘર ચલાવવાનુ છે, લોકોના કિધે કાઈ ઘર ભાંગવાનુ નથી!!
3. હવે આ કિસ્સો ૮-૯ વર્ષ પહેલાનો છે. ત્યારે વોટસએપની પધરાણમી થઈ ચુકેલ. એક મેટર આવી મારી પાસે. જેમાં છોકરાની મમ્મી મારી પાસે આવીને કહે કે અમારે છુટુ કરવુ છે. મે છોકરાને પુછ્યુ ભાઇ કારણ શુ છે? તો એ કહે કે એની પત્ની આખો દિવસ તેના જુના મિત્રો (છોકરાઓ) સાથે મોડી રાત સુધી ચેટીંગ કર્યા કરે છે. તેને વહેમ છે કે એની ઘરવાળીનુ બહાર ક્યાંક સેટિગ છે. હુ છોકરીવાળા પાસે ગયો, મારો રેપો સારો એટલે હુ સીધો છોકરીને મળ્યો અને કહ્યુ કે બેટા તુ લગ્ન બાદ આવી રીતે મોડે સુધી બીજા લોકો જોડે ચેટિંગ કરે, નોકરીથી આવીને ઘરમાં સાસુ-સસરા જોડે ઇન્વોલ્વ ન થાય, રાતે ઘરવાળા જોડે ઇન્વોલ્વ ન થાય તો કેવુ રહે? એટલે એ બહેન અને એના મમ્મી મને કહે કે છોકરાવાળા નેરો માઈંડના છે. છોકરી તો એના મિત્રો જોડે વાત કરે જ ને? લગ્ન કરે એટેલે એના મિત્રોને છોડિ દે? અને અમે અમારી છોકરીને ભણાવી છે તો શુ ઘરકામ કરવા ભણાવી છે? બેંકમાં નોકરી કરે છે, સાઇઠ હજાર પગાર લાવે છે તો એવો પાવર નહિ ચલાવી લઈએ. મે સમજાવવાની ઘણી કોશીષ કરી કે લગ્ન પહેલાના સંબંધ, લગ્ન બાદના સંબંધ, લગ્ન પહેલાની જીવનશૈલી અને લગ્ન બાદની જીવન શૈલીમાં આભ-જમીનનો ફરક છે એટલે લગ્ન બાદ બદલવુ આવશ્યક છે અને તેને મહિલા પ્રત્યેની ક્રુરતામાં ન ખપાવો. દિકરીને પણ કહ્યુ કે બેટા જે તારા ઘરવાળાને ન ગમે તેવુ કેમ કરવાનુ? લગ્ન બાદ પણ તુ છોકરાઓ જોડે મોડે મોડે ચેટીંગ કરે તો કોણ ચલાવી લે? ખેર, એ લોકો ના સમજયા અને અંતે ત્રણ મહિના બાદ એનુ છુટુ થયુ. હવે એ છોકરીની ભાભી દોઢ બે વર્ષ બાદ મને એક લગ્નમાં મળી ત્યારે એની નણંદની વાત નિકળી અને મને એણૅ કહ્યુ કે તે છોકરીનુ તેના મિત્રો જોડે ઝઘડો થયો છે. મે કારણ પુછ્યુ તો એણે કહ્યુ કે ઓલા છોકરાઓ તેઓના લગ્ન બાદ આની જોડે વાત ન હતા કરતા (જેમ આ વાત કરતી હતી) એટલે આ છોકરી તેઓની જોડે કોઇક ગ્રુપ ગેધરીંગમાં ઝઘડિ હશે અને આ છોકરીને તેઓના ગ્રુપમાંથી ન્યાત બહાર કરેલ છે. અગાઉ કહ્યુ તેમ પરણેલાઓના ગ્રુપમાં કુંવારા ચાલે પણ છુટાછેડાવાળા નહિ.
4. વધુ એક જાણમાં આવેલ કિસ્સામાં એવુ બન્યુ કે વહુ મોડી ઉઠતી હતી તેનાથી શરુ થયેલી મોકાણમાં છુટાછેડા થયા. કિસ્સો એવો હતો કે એક યુવતિ પરણીને તેના સાસરે ગઈ ત્યાં તેના સાસુ, જે વિધવા હતા, તેઓ રોજ સવારે પાંચ વાગે ઉઠી ઘર આખુ સાફ કરે અને પુજાપાઠ અને પછી ચા-નાસ્તો કરી કપડા ધોવા સુધીનુ બધુ પતાવી ૯ વાગ્યા સુધી નવરા થઈ જાય. જે યુવતી પરણીને આવી તે રોજ સવારે ૮ વાગ્યે ઉઠવા ટેવાયેલી. આ બાબતે લગ્નના અઠવાડિયા બાદ ઘરમાં ઝઘડો થયો. યુવક-યુવતિમાં સરસ મનમેળ હતો પરંતુ આ બાબતે યુવકે તેના મમ્મીનો પક્ષ લેતા વાત વણસી અને છુટાછેડા સુધી પહોંચી. થયુ એવુ કે છુટાછેડા બાદ બંને યુવક-યુવતિના કુટુંબીજનો અમારી પાસે પસંદગી મેળામાં નામ નોંધાવવા આવ્યા. લિસ્ટમાં છોકરાની માએ તેની જુની વહુની વિગતો જોતા જે બોલવાનુ ચાલુ કર્યુ તે અટકયુ જ નહિ. અમે પુછ્યુ કે શુ થયુ હતુ તો એમણે કહ્યુ કે છોકરી આળસુ છે, કામચોર છે, પડિ રહે છે, ૧૦-૧૦ વાગે ઉઠતી નથી વગેરે વગેરે. અમારો સ્વભાવ વાતના મુળ સુધી જવાનો એટલે અમે તો મંગાવી ચા અને યુવકને અને તેની મા જોડે વાતે વળગ્યા. અમે પુછ્યુ કે તમે આ ઉમરે પણ સવારે પાંચ વાગે ઉઠી ઘરનુ બધુ કામ પતાવી દો તે પછી આખો દિવસ કરો શુ? એટલે એ યુવકના મમ્મીએ કહ્યુ કે તેઓ મુળ ગામડામા મોટા થયેલા. તેઓના ઘરમાં પપ્પા ખેતરે જાય અને સવારની બધી ક્રિયા ગામડાના ટાઇમટેબલ પ્રમાણે થાય એટલે તેઓના ઘરે બધા સવારે ઉઠી જાય, ઘરની ઘંટીએ તેમના દાદિ ખુદ લોટ દળે, તેમના મમ્મી ખુદ સવારે રોટલા બનાવે અને પછી તેઓ પણ સવારે સ્કુલમાં જાય. તેઓનુ જીવન લગભગ આવુ જ વિત્યુ. તેઓ ૧૧ સુધી ભણ્યા ત્યાર બાદ તેઓના લગ્ન થયા. પતિ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા જેઓ રોજ સવારે શાળાએ નોકરી જતા એટલે સાસરે પણ પિયરની જેમ સવારે ઉઠવાની અને ઘરનુ બધુ કામ કરવાની આદત ચાલુ રહિ. તેઓના બાળકો, એટલે કે આ યુવક અને તેની બે બહેનોએ, પણ જનમ્યા ત્યારથી જોયેલ કે મમ્મી રોજ સવારે ઉઠે અને ૯ વાગ્યા સુધી તો ઘરનુ બધુ કામ પતાવી નવરા થઈ જાય. તમે અહી સમજો તેઓના ઘરની સિસ્ટમ. આ દરમીયાન પેલા યુવતી જોડે પણ અમે વાત કરી અને તેઓના ઘરની સિસ્ટમ જાણવાનો પ્રયત્ન કર્યો તો જાણ્યુ કે તેઓ ૪ પેઢીથી અમદાવાદ જેવા શહેરમાં સોસાયટીમાં રહે, વોશીંગ મશીન, કામવાળી વગેરે જેવી સુવિધા સંપન ઘર. એટલે ત્યાં સવારે ઉઠવાની સિસ્ટમ ન હતી. તો પણ તેઓના ઘરનુ બધુ કામ તેના સમયે થતુ હતુ. યુવતીના સાસરીએ સિસ્ટમ અલગ હતી, ગ્રામીણ રહેણી કરણી અને વ્યવસાયીક જરુરીયાતની અસર હતી. બંનેમાં કોઇ ખોટુ ન હતુ પણ પેલુ કહે છે ને કે એકબીજાને સમજી ના શક્યા અને મેળ ના પાડિ શક્યા ત્યાં વાત છુટાછેડામાં પરીણમી.
5. અમારા એક મિત્ર જેઓ ONGC માં નોકરી કરે અમારી સાથે મુંબઈથી અપડાઉન કરતા હતા. ઘણા સમય પછી અમોને રેલ્વે સ્ટેશન પર મળ્યા. વોટસએપ વગેરેથી અમારી છુટાછેડા રોકો અને સમાજ સુધારણાની વિવિધ પ્રવ્રુત્તિઓ અંગે ચર્ચા કરતા તેઓએ એક વાત અમોને જણાવી જે અહિ કહેવા જેવી લાગી. તેઓએ કહ્યુ કે જેવો તેમનો છોકરો કમાતો થયો તેઓએ ત્રણ બાબત છોકરા જોડે ચર્ચા કરી નક્કિ કરી. (૧) તેઓનો છોકરો લગ્ન પછી ઓછામાં ઓછુ ત્રણ વર્ષ તેમનાથી અલગ ભાડાના મકાનમાં રહેશે. (૨) છોકરો એમ. ફાર્મ. છે અને અમદાવાદમાં મહિને ૮૦ હજારના પગાર સાથે સારી નોકરી કરે છે તો તે જે કોઇ બચત કરે તેનાથી Non Encashable વસ્તુ ખરીદશે જે તેના અને તેની મમ્મીના નામે હશે. જેમ કે તેમના છોકરાએ લોન લઇને ૩ દુકાનો ખરીદી. જે દુકાનના હફ્તા તેમનો દિકરો ભરે પણ તે દુકાનો તેના અને તેની મમ્મીના સંયુકત નામે છે. અને આ દુકાનો તેઓએ એક હોટલવાળાને ૧૦ વર્ષના લીઝ પર આપી દિધી છે. જેનુ ભાડુ મહિને ૯૦ હજાર જેટલુ આવે છે. જે સીધા લોનના હફ્તામાં ભરી દે છે. (૩) તેઓએ તેમના છોકરા જોડે નક્કિ કર્યુ કે છોકરાના લગ્નમાં જે કોઇ ખર્ચ થાય તે છોકરો ચુકવશે. અને લગ્નના ૧૦૦ દિવસ પછી આ બધો ખર્ચ તેઓ તેમના છોકરાને Reimburse કરી આપશે. મને આ બધુ જાણીને નવતર લાગ્યુ એટલે મે પુછ્યુ કે આવા કેવા બાપ તમે? હાળા છોકરાને આવી શરતોમાં મુકાય? એટલે તેઓએ અમોને સમજાવ્યુ કે આજકાલ જે પ્રકારના બનાવો બને છે તે જોતા આ બધુ કરવુ પડે. જે છોકરી છોકરાની મિલકત જોઇને પરણતી હશે તે લગ્ન બાદ ત્રણ વર્ષ ભાડે રહેવાની અને પોતાની રીતે ઘર કરવાની શરતથી થોડિ ખચકાશે. બીજુ કે ત્રણ વર્ષ ભાડે અને પોતાની રીતે રહેવાથી બંનેને આટે-દાલનો ભાવ ખબર પડશે અને કરકસરથી રહેવાનુ શીખશે. તેઓ વેવાઇને પણ એવુ જ કહેલુ કે તમારી દિકરીને તમે જે કાઈ આપવા માંગતા હોવ તે રોકડુ આપશો અને તે દિકરી કે જમાઈને નહિ પણ તેમના થનારા સંતાનને આપજો. તેમના વેવાઇ દિકરીને વળાવતી વખતે સામાન, દાગીના બધુ આપવાના હતા તો તેઓએ કહ્યુ કે આ બધુ ના આપો પણ તેટલી જ કિમતની તેમની દિકરીના સંતાન માટે FD કરી આપો જે મોટો થાય અને કોલેજમાં જાય કે લગ્ન કરે ત્યારે તે જ તેને વટાવી શકે. ટુંકમાં દિકરી-જમાઈને કાઈ ના આપો! આવુ કરવાથી ભવિષ્યમાં ૪૯૮ના તકલીફથી બચી શકાય છે. છોકરાએ લગ્ન પહેલા જે કાઈ કમાણી કરી તેનાથી તેણે ત્રણ દુકાનો લીધી જે તેના અને તેની મમ્મીના સંયુકત નામે છે એટલે જો લગ્ન બાદ ના કરે નારાયણ અને આવનારી વહુ સંપત્તિમાં ભાગ માંગે તો તેને કાઈ મળે નહિ. કેમ કે મિલ્કત તેના પતિ એકલાની નથી. બિજુ કે દુકાનો ૧૦ વર્ષની લીઝ પર આપેલ હોઇ તેને વેચી પણ શકાય તેમ નથી. એટલે ૧૦ વર્ષ તો તે દુકાનો છે તેમ જ રહેવાની છે. બીજુ કે છોકરાને પહેલેથી જ કહેલુ કે લગ્નના પાંચ વર્ષ બાદ જ ઘર લેવાનુ એટલે ત્યાં સુધી પાણી મપાઈ જાય. હવે લગ્ન વખતે ઘરના બધા લોકો જાહોજલાલીના મુડમાં હોય છે. અને ખર્ચ ધાર્યા કરતા વધુ થાય છે. આપણે ઘરવાળાને ના પણ કહિ શકતા નથી. એટલે તેઓએ એવી શરત મુકેલી કે લગ્ન વખતે બધો ખર્ચ છોકરો કરશે અને તે બધો જ ખર્ચ લગ્નના ૧૦૦ દિવસ બાદ તેઓ દિકરાને આપશે. તેનાથી થયુ એવુ કે છોકરો આવી ગયો પ્રેશરમાં તેની પાસે ગલ્લામાં હતા બે જ લાખ અને ખર્ચ કરવાનો થતો હતો લગભગ ૧૦-૧૨ લાખ એટલે છોકરાએ લગ્નમાં લગભગ દરેક વાતમાં રીતસરની કરકસર કરી. તેના કાકા જોડે, મામા જોડે, માસા જોડે પૈસા ઉછીના લીધા.. ફુઆ જોડે બે ટકે વ્યાજ સાથે પૈસા લીધા અને ૮ લાખમાં લગ્ન પતાવ્યુ. હા વહુને પહેરાવવાના ઘરેણા, છોકરાના ઘરેણા, અમારા કપડા બધુ અમે લાવ્યા પરંતુ બાકિ ખર્ચ છોકરાએ કર્યો. લગ્નના બીજા મહિને અમે છોકરા જોડે હિસાબ માંગ્યો અને તેણે કુલ ૮,૩૩,૨૩૪ જેટલો ખર્ચો થયો બતાવ્યો જેમાં તેણે લગભગ ૬ લાખ ઉછીના લીધા હતા. મે સીધા એને ૨૦ લાખ આપી દિધા. છોકરો અને વહુ બંને તો અચંબામાં આવી ગયા કે આ શુ થયુ? આપણુ સંતાન જ આપણા જીવનની મુડિ છે. આજકાલના જમાનામાં આપણે તેને સાચી સમજણ આપી સારા કામમાં ઢાળવો રહ્યો. હાળુ છોકરાના લગ્ન પાછળ લાખોનો ધુમાડો કરી પરણાવીએ, છોકરાની વહુ કોર્ટમાં ધસેડિ જાય, Domestic Violence માં આપણે આપણા પોતાના ઘરમાંથી આપણને કાઢી મુકિ શકે, આપણી જીવનભરની મુડિ લઈ જાય ત્યારે આપણે થોડુ તો સાવચેત રહેવુ બને છે. આપણે નથી કહેતા કે દરેક વહુ એવી હોય. પરંતુ આજકાલ જે પ્રકારનુ વાતાવરણ બને છે તે જોતા આપણે વર્તવુ પડે.
6. અમારો એક મિત્ર જૈન છે. મુંબઈમાં તેના કાકાને ઘરે કોઇ મુનિ આવેલ ત્યારે અનાયાસે એની જોડે દર્શન કરવા જવાનુ થયુ. હુ તેની સાથે એના કાકાને ઘરે ગયો ત્યારે પેલા મુનિને બધા પગે લાગતા હતા. હુ પણ લાગ્યો અને તેઓની કોઇ ચર્ચા ચાલતી હતી એટલે હુ ત્યાં દુર બેસી મોબાઇલ જોતો રહ્યો. ત્યાં બે-ત્રણ વડિલ તેમના પત્ની સાથે આવેલ, તેમાંના એક જણા તેમની દિકરી સાથે આવેલ. તેઓએ કહયુ કે તેમની દિકરીને સાસરે તકલીફ છે અને છુટાછેડાનુ ચાલે છે ત્યારે ઘણુ બધુ કહેતા એ મુનિ જે એક વાત બોલ્યા તે મને મનમાં વસી ગઇ તે તેમનાં શબ્દોમાં અહિ હુ કહુ છુ. ખબર નહિ કેટલી સારી રીતે તમને સમજાવી શકીશ, પણ કહુ છુ. દરેક માણસ જીવનમાં કોઇને કોઇ પ્રકારે કોઇકનો ૠણી હોય છે. ભણવા જાય તો શિક્ષક-ગુરુ નો ઋણી. જ્યાં જનમ્યો – મોટો થયો તે માતૃભુમિનો ઋણી વગેરે. પરંતુ આ બધામાં એક ઋણ છે તે માનવી થાય તે કરી લે પણ ચુકવી નથી શક્તો. તે છે માતા-પિતાનુ ઋણ. પણ હિસાબનો પાક્કો એક વાણિયો માણસ ઋણ લઈને મરી જાય તો કેમ ચાલે? તમે ધંધામાં જોતા હોવ છો કે એક વેપારી બીજાને કહે કે મને થોડુ ઉધાર આપ બીજેથી પેમેંટ આવે એટલે ચુકવી દવ. આ વેપારી જે એક બાજુ દેણદાર છે તો બીજી બાજુ તે બીજા વેપારીનો લેણદાર છે. તો તમે આવા માણસને દેવાદાર કહેશો? નહિ કહો કેમ કે તેની બેલેંસ શીટ બરાબર છે. ત્રાજવા સરખા છે. આવુ તમે માતા-પિતાનુ ઋણ બાબતે પણ કરી શકો. કેવી રીતે? તો તમારા સંતાનોનુ સારામાં સારુ પાલન પોષણ કરીને. હવે માનો કે કદિ તમારા માતા-પિતા કહે કે એમનુ ઋણ ચુકવો તો તમારે એટલુ જ કહેવાનુ છે કે મારા સંતાનો પાસે પણ મારે એ ઋણ લેવાનુ નિકળે છે એ આવે એટલે તમને ચુકવી દવ! તમે તમારા સંતાનો પાસે જઈને ઉઘરાણી કરો એટલે તમારા સંતાનો પણ એમ કહે કે તેમના સંતાનો (એટલે કે તમારા પૌત્રો) પાસે તેમની ઉઘરાણી છે એ આવે એટલે તમને ચુકવી દે! આ ચક્કર અનંત છે. ટૂંકમાં તમે કોઇના ઋણી નથી રહેતા. પરંતુ તમે જો સાંસારીક જીવન ન જીવો, છુટાછેડા લઈ લો, સંતાનને કહ્યુ તેમ સારુ પાલન પોષણ ન આપો તો તમે તમારા સંતાનોની પ્રત્યેની ફરજમાં તો નિષ્ફળ જાવ છો જ સાથે તમારા માતા-પિતાનુ ઋણ કદી ન ચુકવવાની પરીસ્થિતિમાં આવી જાવ છો અને આવો માણસ મર્યા પછી આપણા ધર્મશાસ્ત્રોમાં કહયુ તેમ મોક્ષ પામે? મર્યા પછી પણ ભટકતો જ રહે. કેમ કે તે દેવાદાર છે. ઉઠી ગયેલ પાર્ટી છે. એટલે સંસારમાં જનમ્યા છો એટલે સાંસારીક જીવન જીવવુ તે તમારી ફરજ પણ છે, જરુરત પણ છે, એક માત્ર વિકલ્પ પણ છે. અને આવા સુંદર જીવનને તમે નાની-મોટી ગેરસમજ થકિ છુટાછેડાનુ કલંક લગાડિ કોનુ ભલુ કરી રહ્યા છો તે વિચારજો. આ જે દિકરી આવી છે જેના પતિ તેમના માતા-પિતાની માટે થઈને ઘર-સંસાર તુટવા સુધી લઈ આવ્યા છે તેઓને કહેવાનુ કે તમે ન તો તમારા માતા-પિતાને સુખી કરી રહ્યા, નથી તમારા જીવનસંગીનીને સુખી કરી રહ્યા કે નથી તમારા સંતાનોને સુખી કરી રહ્યા એટલે કોઇની વાત કે ચઢવણીએ આવ્યા વગર તમારુ ઘરસંસાર બચાવો અને સુખેથી જીવો.
ઉપરના ઉદાહરણ એક જ બોધપાઠ આપે છે કે લગ્નજીવન – ઘરસંસાર સુખરુપ કેવી રીતે ચલાવવુ તે પતિ-પત્ની પર જ નિર્ભર છે. પતિ કે પત્ની બંનેમાંથી કોઇ એક પણ ઘરસંસાર ચલાવવા સમર્પિત થાય તો તેઓના છુટાછેડા થાય જ નહિ. અને મારા અનુભવમાં મે જોયુ છે કે જે લોકોએ બીજી – ત્રીજીવાર કર્યુ છે તેને કોઇ ખાસ લાભ થયો જ નથી પરંતુ મારી મચોડિને ચલાવે છે. પહેલી વખત કાણીયો મળ્યો હોય તો બીજીવાર બંને આંખે દેખી શકતો પરંતુ લંગડો મળે છે. અને બીજીવાર કરેલ હોવાથી લંગડા જોડે ચલાવી લે છે. આ જ ચલાવી લેવાની તૈયારી કાણીયા જોડે રાખી હોય તો બીજુ કરવાનો વારો નથી આવતો. પરંતુ પેલુ અગાઉ કહ્યુ તેમ, બંને લોકોમાં ઘરસંસાર ચલાવવાની કેટલી ઇચ્છા છે, કેટલુ કમીટમેંટ છે, બાંધછોડ કરવાની જતુ કરવાની કેવી અને કેટલી તૈયારી છે તે મહત્વના છે.
તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી, તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી.
આપણે એકાંતમાં ક્યારેય ભેગાં ક્યાં થયાં, તોય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી.
આપણે એક સાથે શ્વાચ્છોશ્વાસ જીવ્યાં તે છતાં, એકબીજા વચ્ચે સમજની મોટી ખાઇ હતી.
કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું, આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી.
આપણે તો પ્રેમના અરમાન પૂરવાના હતા, ક્યાં અજૂગતી કોઈ ઈચ્છા આપણી વચ્ચે હતી?
આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું, ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી?
યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ, કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી?
એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ, એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી.